Monday, 20 June 2011

મહાત્મા ગાંધી સંદર્ભે ગેરધારણાંઓમાંથી બહિર્ગમન


મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ કે જેનું જીવન જ સંદેશ છે. પરંતુ આ સંદેશને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. બાપુએ બતાવેલો સત્યાગ્રહના રસ્તે ચાલવા માટે આપણે તૈયાર છીએ? સત્યાગ્રહ માટે દ્રઢનિશ્ચયી છીએ? બાપુએ એક વાત શિખવાડી છે કે સત્યાગ્રહ કરવાનો પણ તે અહિંસકપણે કરવાનો. જ્યારે સત્યાગ્રહ કરીએ ત્યારે હિંસાને કેવી રીતે સ્થાન આપી શકાય?

વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.

ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.

વિશ્વમાં બે વિશ્વ યુદ્ધો થયા છે. ભીષણ વિશ્વ યુદ્ધો બાદ કહેવાતું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ હવે નજીકમાં જ છે. પરંતુ હજી સુધી ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તેવી કોઈ ઠોસ શક્યતાઓ બની નથી. તેની સામે વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો યુદ્ધોને ટાળવા અને શાંતિની સ્થાપના માટે પ્રયત્નશીલ છે. આવા લોકોના પથદર્શક તરીકે ગાંધીજીના વિચારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામાના પ્રેરક પુરુષોમાંના એક છે.જો કે ગાંધીજીના સત્યાગ્રહને ખોટી રીતે સમજવામાં આવ્યો છે, તેવી જ રીતે તેમની અહિંસાને પણ ખોટી રીતે સમજવામાં આવી છે. કમજોર નબળાં માણસની અહિંસા અને સબળા, શક્તિશાળી વ્યક્તિની અહિંસામાં ઘણું અંતર છે. કમજોર અને નબળાં માણસ માટે અહિંસા એક મજબૂરી છે. જ્યારે શક્તિશાળી અને સબળા લોકો અહિંસાને ધારણ કરે છે, ત્યારે તે તેમનું વ્રત છે. ગાંધીજીએ જ્યારે અહિંસા ધારણ કરી હતી, ત્યારે તેઓ ભારતની અંદર તે ઈચ્છત તેવું આંદોલન કરી શકત. લોકો તેમના કહેવા પર કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે પણ તૈયાર હતા. વળી 1857માં પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ દ્વારા ભારતીય ક્રાંતિકારીઓ સાબિત કરી ચુક્યા હતા કે તેઓ અંગ્રેજોના શાસનને પડકારી શકે છે. પરંતુ ગાંધીજીએ તે રસ્તો પસંદ ન કર્યો.

ગાંધીજીએ સત્યાગ્રહનો રસ્તો પસંદ કર્યો પણ તે રસ્તો અહિંસાના માર્ગ પર આગળ વધ્યો. આ જે અહિંસા હતી, તે એક સબળ રાષ્ટ્રની અહિંસા હતી. આ અહિંસાએ આપદ્જનોની હિંસાથી દેશને બચાવ્યો છે. ત્યારે ભારતમાં 1920 બાદ મહદઅંશે ભારતીય સ્વતંત્રતા આંદોલન અહિંસક રીતે ગાંધીજીના માર્ગદર્શન નીચે ચાલ્યું હતું. તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. પરંતુ ગાંધીજીનો અહિંસાનો રસ્તો નબળાં વ્યક્તિત્વની અહિંસા ન હતી, તેમના અહિંસક વિરોધમાં સત્યાગ્રહ હતો. થોપી દેવાયેલી ખોટી વ્યવસ્થાનો વિરોધ ગાંધીની અહિંસામાં હતો. એટલે આ અહિંસા કમજોર હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.પરંતુ અત્યારે આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને અન્ય અસંતુષ્ટ તથા નારાજ લોકો દેશમાં કોઈ તેમના અનુકૂળ પરિવર્તન માટે હિંસાનો વત્તા-ઓછાં પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેમની હિંસાનો ભોગ તેઓ જેમના માટે નવા અનુકૂળ પરિવર્તનો કરવા માંગે છે, તેવા જ લોકો તેનો ભોગ પણ બની રહ્યાં છે. ત્યારે આ હિંસાના ગર્ભમાં કોઈપણ પ્રકારનું સુખ છુપાયેલું ન હોઈ શકે. આ હિંસામાં માત્ર બરબાદી જ છુપાયેલી છે. દરેક ક્રાંતિ હિંસાથી જ થાય, તેવી કોઈ વાસ્તવિકતા નથી. ક્રાંતિ હિંસા વગર પણ થઈ શકે છે. ક્રાંતિ શાંતિ માટે હોવી જોઈએ. ક્રાંતિ સુખ-સમૃદ્ધિ માટે હોવી જોઈએ. ક્રાંતિનો રસ્તો શાંતિમાંથી પણ પસાર થઈ શકે છે.

મનુષ્યત્વની અપરિપક્વતા હિંસાને જન્મ આપે છે. જો પરિપક્વતા ક્રાંતિનું કારણ બને તો તે અવશ્ય બુદ્ધના રસ્તે ચાલશે, મહાવીરના રસ્તે ચાલશે, ગાંધીના રસ્તે ચાલશે. ગાંધીનો રસ્તો ભારતીયોને પરિપક્વતા તરફ લઈ જવાનો હાલમાં ઉપલબ્ધ એકમાત્ર રસ્તો છે. મુનષ્યત્વની પરિપક્વતાના પરિપાકરૂપ ગાંધીના અહિંસક સત્યાગ્રહોએ આ દેશને નવો રાહ ચિંધ્યો છે. પરંતુ આ દેશમાં ત્યારે ત્યારે હિંસા થઈ છે કે જ્યારે આ દેશની પરિપક્વતાએ ગાંધીના અહિંસક સત્યાગ્રહનો આગ્રહ છોડી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ જાહેર કર્યો છે. ત્યારે એક વાત સમજવી પડશે કે ગાંધીનો સંદેશ સત્યાગ્રહ છોડવાનો નથી. સત્યાગ્રહ માટે હિંસાને છોડવાનો છે, અહિંસક સત્યાગ્રહ કરવાનો છે.

ભારત હાલ પણ ઘણાં બધાં સામાજીક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતને આવા હજી પણ ઘણાં પરિવર્તનોની જરૂર છે. તેના માટે સત્યાગ્રહી નેતૃત્વની જરૂર છે. જો કે ગાંધીજીના સત્યાગ્રહી નેતૃત્વનો હાલના નેતાગણમાં કોઈ અંશ દેખાતો નથી અને જ્યારે આવા નેતાઓ ગાંધીજીના સિંદ્ધાંતની વાતો કરતાં હોય છે, ત્યારે તેઓ અત્યંત હાસ્યાસ્પદ લાગે છે.

આવા હાસ્યાસ્પદ કાર્ટૂનછાપોથી બચીને ગાંધીજીને દિલથી સમજીશું તો ભારતની કોઈપણ સમસ્યા સંદર્ભેની પ્રતિક્રિયા એક પરિપક્વ રાષ્ટ્રની પ્રતિક્રિયા હશે. હાલમાં અયોધ્યા વિવાદના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ આવા જ કેટલાંક નેતાઓએ રાજકારણ ગરમ કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્રજા હજી સુધી તો પરિપક્વતાનો પરિચય આપી રહી છે. ખરેખર ગાંધી જયંતિના દિવસે ગાંધીના સંદેશને વાસ્તવિકરૂપ આપ્યું હોય, તો આ ભારતવાસીઓ જ આપ્યું છે. તેમણે સાબિત કર્યું છે કે તેમની સમસ્યા ઉકેલવા કરતાં તેમાં વધારો કરનારા કાર્ટૂનછાપ નેતાઓની હવે તેમને જરૂર નથી.

વાચકમિત્રો ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ અને તેમના સિદ્ધાંતો હજી પણ આપણું માર્ગદર્શન કરી શકશે, તેવું આપને લાગે છે. તમે શું માનો છો? આપ આપનો અભિપ્રાય નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને મોકલી શકો છો......

ગાંધી ચિંધ્યા અનશન એટલે આત્મઘાતી પાગલપન!

યોગગુરુ બાબા રામદેવ અને અન્ના હજારેના અનશન બાદ ફરીથી ભારતનું ધ્યાન અનશન પર ગયું છે. ભારતીય આધ્યાત્મમાં ઉપવાસનું અત્યંત મહત્વ છે. પરંતુ આ ઉપવાસનો રાજકીય ઉદેશ્ય માટે શસ્ત્ર તરીકે ઉપયોગ એટલે અનશન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અનશનનું શસ્ત્ર આઝાદીની ચળવળ દરમિયાન કમજોર ભારતીયોના હાથમાં આપ્યું છે. તેમણે તે વખતે કહ્યું હતું કે સત્યાગ્રહી માટે અનશન એ તમામ અહિંસક વિકલ્પો ખતમ થઈ જાય ત્યારે બાકી રહેલુ અંતિમ શસ્ત્ર છે. ગાંધીજીના વિચારોમાં સત્ય અને અહિંસાનું મૂલ્ય હતું. પરંતુ આ દેશનું કમભાગ્ય છે કે સત્ય અને અહિંસાની અલખ જગાવનાર વ્યક્તિ આ દેશની સત્તા પર આવ્યો નહીં, જો કે તેમને પોતાને પણ સત્તા સંદર્ભે કોઈ લોલુપતા હોય તેમ તેમના જીવન પરથી લાગતું નથી.

પરંતુ ગાંધીજીના જે અનુયાયીઓ સત્તામાં ગયા, તેમને સત્તામાં ગયા પછી ખબર પડી કે સત્તા અસત્ય અને હિંસાથી ચાલે છે. તેમા તેમને પોતાનો ફાયદો પણ દેખાયો. સત્તાને હિંસા અને અસત્યથી ચલાવવા માટે સત્તામાં આવેલા ગાંધીવાદીઓએ બેવડું વ્યક્તિત્વ ગ્રહણ કરી લીધું. તેઓ રોજે રોજ હિંસામાં ઉંડા ઉતરતા ગયા, અસત્યમાં જીવવા લાગ્યા. જો કે આ ગાંધીવાદીઓએ વાતો સત્ય અને અહિંસાની વધુ જોરથી કરવા માંડી. એટલા જોરથી કરવી જરૂરી હતી, જેથી તેઓ જે કરી રહ્યા છે, તે છુપાય જાય.

63 વર્ષની આઝાદીમાં હિંદુસ્તાનની અહિંસક સરકારે જેટલી હત્યા અને ખૂન કર્યા છે અને જેટલી ગોળીઓ ચલાવી છે, તેટલી દુનિયાની કોઈપણ હિંસાવાદી સરકાર પણ આટલી હિંસા કરવાનો દાવો કરી શકે તેમ નથી. ઉપર ઉપરથી અહિંસાની વાત ચાલતી રહી અને અંદરખાને હિંસાનો નગ્ન નાચ ચાલ્યો. બહારથી સત્યની વાત કરાતી રહી, પરંતુ અંદર ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો. ભારતમાં ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ સત્તાની દોડમાં ગાંધીવાદીઓએ તમામ પ્રકારના અસત્યનો સ્વીકાર કરી લીધો છે. અપરિગ્રહ અને દરિદ્રતાના વરણની વાતો ચાલતી રહી અને તમામ પ્રકારની સંપત્તિ અને બધાં પ્રકારના લોભ તથા પરિગ્રહ કામ કરતા ચાલ્યા ગયા.

યુદ્ધ લડતી સેનાનું મુખ્ય લક્ષ્ય વિજય હોય છે. માત્ર એ જ યુદ્ધકળા સાચી હોય છે કે જે ન્યાય પક્ષની ઓછામાં ઓછી અને અન્યાય પક્ષની વધુમાં વધુ હાનિ કરે છે. ક્યારેક બલિદાન પણ આ યુદ્ધકળાનું  એક અત્યંત જરૂરી ઘટક હોય છે, પરંતુ તે અપવાદના રૂપમાં સ્વીકારી શકાય, નિયમ તરીકે નહીં. પરંતુ માત્ર બલિદાનથી જ નિશ્ચિતપણે વિજય મળી જશે તેવું કહી શકાય નહીં. રાવણે સીતાનું અપહરણ કર્યું. તેમાં સીતાના અપહરણ કરવાની દુષ્ટતા અને નીચતા હતી, તે વખતે જો રાવણની સામે રામે ઉપવાસ કરીને પ્રાણ આપવાની વાત કરી હોત તો નઠારા રાવણનું હ્રદય પીગળી જાત? ના! માટે જ રામે અન્ન-જળનો ત્યાગ કરવાની વાત કરી ન હતી. તેમણે રાવણના મોઢામાંથી કોળિયો છીનવીને તેને ભૂખ્યો મારવાની તૈયારી કરી હતી. સીતાએ પણ, અશોક વનમાં પોતાને ભોજન જોઈએ અથવા યોગ્ય સમ્માન જોઈએ, નહીં તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરીને મરી જશે, તેવી કોઈ પ્રતિજ્ઞા કરી ન હતી. કારણ કે તેમનું મુખ્ય લક્ષ્ય રામ દ્વારા રાવણનો નાશ કરવો અને તેના માટે અન્ન-જળનો ત્યાગ કરવાનું કૃત્ય બિનજરૂરી અને હાનિકારક હતું. સીતાએ એક પ્રતિજ્ઞા અવશ્ય કરી હતી કે તેમનું પ્રીતિ સ્વાતંત્ર્ય પાતિવ્રત્ય અબાધ રહે. આ પ્રતિજ્ઞા પર આંચ આવવાથી પણ પ્રાણ બચાવવાનો અર્થ મુખ્ય લક્ષ્યથી વિચલિત થવાનો હતો. આવી સંભવિત સ્થિતિમાં સીતા મોતને વહાલું કરીને પણ પોતાની પ્રતિજ્ઞા નિભાવત. ગુરુ તેગ બહાદૂર, બંદા વીર, સંભાજી મહારાજનું મુખ્ય લક્ષ્ય સ્વધર્મ રક્ષણ હતું. આ લક્ષ્ય માટે પ્રાણ આપવા જ્યારે જરૂરી થઈ પડયા ત્યારે તેમણે જીવનનો ત્યાગ કર્યો અને તે પરિસ્થિતિમાં તે યોગ્ય પણ હતું.

સ્વાતંત્ર્ય વીર સાવરકરે અન્ન-જળ ત્યાગવાની વાતનો પ્રખર વિરોધ કર્યો હતો. તેમના માનવા પ્રમાણે, પ્રાણહાનિ માટે પ્રાણહાનિ અનિષ્ટકારક છે. આ દ્રષ્ટિથી અન્ન-જળ છોડીને મરી જવાની નવી પરંપરા પ્રચલિત થઈ રહી છે, તેનો યુદ્ધ નીતિની દ્રષ્ટિથી વોરધ કરવો પોતાનું કર્તવ્ય માને છે. તેનો અર્થ એ નથી કે તેઓ તેમની દેશભક્તિ અથવા તેમની કઠોર તપસ્યાના મૂલ્યને નકારી રહ્યાં છે. પરંતુ રાષ્ટ્રહિત માટે પોતાનો બુદ્ધિવાદ પ્રગટ કરવો જ પડશે. અન્ન-જળ છોડવાની આ લહેર આવી જ રીતે ફેલાતી રહેશે તો આ રાષ્ટ્રનું મુખ્ય લક્ષ્ય સ્વતંત્રતા પ્રાપ્તિને નુકસાન પહોંચશે.

ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓના જેલમાં રાજકીય બંદી તરીકેની માન્યતા સાથેના અનશન સંદર્ભે પણ સાવરકરે નાખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે શસ્ત્ર વિપક્ષનું નુકસાન ન કરે, ઉલટું પોતાના જ પક્ષનું નુકસાન કરે, તે શસ્ત્ર જ નથી અને માટે તેનો ઉપયોગ કરનારો કુશળ યોદ્ધા માની શકાય નહીં. અનશનની બંદૂકનું નિશાન વિપક્ષ પર નહીં, પરંતુ સ્વપક્ષ પર જ લાગે છે. આ વિશ્વાસઘાતની બંદૂક, આ અનશન, આ ગુસ્સા આ બધી બાબતો પાછળ હેતુ ઉદાત્ત છે, પરંતુ વિચાર પ્રક્રિયા ખોટી છે. માટે આ બધું આત્મનાશનું કારણ બની જશે. આ અનશનને કારણે આપણે એક-બે અથવા દસ-વીસ ભગતસિંહ ગુમાવવા પડશે, તો વિપક્ષને શા માટે દુ:ખ થશે? તેમને થશે તો સુખ જ, કારણ કે વિદેશી સત્તાના રસ્તામાં બિછાવાયેલા કાંટાને તમે ખુદે જ ઉખાડીને ફેંકી દીધા છે. વિચારો કે જો હરણ સિંહના દરવાજા પર જઈને અનશન કે સત્યાગ્રહ કરવા લાગે તો સિંહ તેને ખાવા માટે મનાવવા લાગશે અથવા ખુશીથી તેને પોતાના પેટમાં પધરાવીને ભૂખને શાંત કરશે? સિંહ ડરે છે તો માત્ર શિકાર થવાથી. હરણોના અનશનતી નહીં. સાવરકરના મતે અન્ન ત્યાગથી પોતાને મોતના મોઢામાં ધકેલવાની વાત આત્મઘાતી પાગલપણું છે.

હિંદુસ્થાને અસંભવ આદર્શોની પાછળ પડીને પોતાનું જીવન, પોતાનું ચરિત્ર નષ્ટ કર્યું છે અને કરી રહ્યું છે. ગાંધીજીએ ફરીથી અસંભવ આદર્શોને આપણી સામે મુકી દીધા. અહિંસા, સંપૂર્ણ અહિંસા તેમની કલ્પનામાં છે. સાચી વાત તો એ છે કે ગાંધી ખુદ પણ પૂર્ણ અહિંસક ન હતા અને ન તો તેઓ પૂર્ણ અહિંસક બની શકે. કોઈપણ વ્યક્તિ જીવિત રહેતા પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ખુદ ગાંધી પણ પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ગાંધીવાદીઓની વાત તો દૂરની છે, ખુદ ગાંધી પણ પૂરા ગાંધીવાદી નથી, ન થઈ શકે. જીવિત રહેવું છે, તો હિંસા અનિવાર્ય છે. કોઈપણ એક ક્ષણ માટે પણ હિંસા વગર રહી શકે તેમ નથી. જે વાતોને આપણે અહિંસાનું નામ આપીએ છીએ, તે પણ હિંસાનું જ રૂપ છે.

જો કોઈ તમારી છાતી પર છરો લઈને ઉભો રહી જાય અને તમને કહે કે તે જે કહે છે તે તમારે કરવાનું છે. તો તે હિંસાનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ જો તે વ્યક્તિ પોતાના ગળા પર છરો મૂકીને તમને કહે કે તે કહે તે કરવાનું છે, નહીં તો તે છરો પોતાના પર ચલાવી દેશે. તો અહીં માત્ર હિંસાની દિશા બદલાઈ છે. પહેલા કિસ્સામાં હિંસાની દિશા તમારા તરફ હતી, તે બીજી પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાની તરફ કરી દીધી છે. ગાંધીજીએ જેટલી વખત ખુદને મારવાની ધમકી આપી, એકપણ વ્યક્તિનું હ્રદય પરિવર્તન થયું નથી. ડૉ. આંબેડકરે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું હ્રદય પરિવર્તન જરા પણ થયું નથી, પરંતુ માત્ર એમ વિચારીને કે ગાંધી જેવા કિંમતી વ્યક્તિ ન મરી જાય, તેના માટે તેઓ નમ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ જે માને હતા, તે તેઓ માને છે. તેમનું માનવું તેમ જ છે.

ગાંધીજી અનશન કરીને કોને નમાવી શક્યા? કોને પોતાના ઉપવાસથી સમજાવી શક્યા? કોનું હ્રદય પરિવર્તન કરી શક્યા? પરંતુ ખુદને મારવાની ધમકીથી લોકમાનસ ભયભીત થયું કે આટલો સારો માણસ ક્યાંક મરી ન જાય. તેમને બચાવવાની કોશિશ કરી. આ પણ એક હિંસા છે, આ પણ બળજબરીપૂર્વકનું દબાણ છે. આમ ગાંધીજી પણ પૂર્ણપણે અહિંસક ન હતા, ન થઈ શકે.

વળી ધ્યાન રાખવાની વાત એ પણ છે કે જ્યારે પૂર્ણ અહિંસા પર જોર આપવામાં આવશે, ત્યારે તેના પરિણામ ઘણાં ઘાતક હશે. હિંદુસ્થાનમાં ગાંધીજીએ પૂર્ણ અહિંસા પર જોર આપ્યું, અને હિંદુસ્થાન ગાંધીજીની આંખો સામે એટલી મોટી હિંસાના તબક્કામાંથી પસાર થયું કે તેનો કોઈ હિસાબ લગાવી શકાય તેમ નથી. દસ લાખથી પણ વધારે લોકો હિંદુસ્થાના ભાગલા વખતે કાળનો ગ્રાસ બની ગયા હતા. દસ લાખ લોકો આ આંદોલનની પૂર્ણાહુતિ વખતે મર્યા કે જે અહિંસક હતું. ખુદ ગાંધીની હત્યા પણ હિંસાથી થઈ, તે પણ વિચારણીય બાબત છે.

ગાંધીજીના પ્રખર અનુયાયી અને સમાજવાદી ડૉ. રામ મનોહર લોહિયા તથા લોકનાયક જયપ્રકાશ નારાયણ પણ અનશનના વિરોધી હતા. ડૉ. રામ મનોહર લોહિયાના માનવા પ્રમાણે, અનશન વ્યક્તિવાદ અને પાખંડને પ્રોત્સાહન આપે છે. તો જયપ્રકાશ નારાયણ પણ માનતા કે અનશનથી મુદ્દા પાછા ધકેલાઈ જાય છે અને અનશન કરનાર વ્યક્તિ ચર્ચામાં આવી જાય છે. લોહિયાએ સિવિલ નાફરમાનીની વાત કરીને અહિંસક રસ્તે આંદોલન ચલાવવાની વાત કરી હતી. તો જયપ્રકાશ નારાયણે પણ અહિંસક રીતે સંપૂર્ણ ક્રાંતિ કરવાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે અલખ જગાવી હતી.

શ્રી શ્રી રવિશંકરે સ્પષ્ટ કહ્યું છે કે અનશનના આંદોલન માટે સમાજ અને સરકારનું સંવેદનશીલ હોવુ જરૂરી છે. સમાજની સંવેદનશીલતા હાલ ‘પેસિવ’ છે. પરંતુ સરકાર તદ્દન અસંવેદનશીલ છે. કારણ કે ગંગા નદીના કિનારે ચાલતા ક્રશર બંધ કરાવવા અને તેના શુદ્ધિકરણની માગણી સાથે 115 દિવસ સુધી અનશન કરનારા સ્વામી નિગમાનંદનું મૃત્યુ તેનુ સૌથી મોટું ઉદાહરણ છે. તો બાબા રામદેવના 9 દિવસના અનશન વખતે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસનો ચહેરો દિગ્વિજય સિંહ જેવા નેતાઓના નિવેદનોથી લોકો સામે ખુલ્લો પડયો છે. અણ્ણાએ 15 ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો આમ ન બને, તો અન્ના હજારે 16 ઓગસ્ટથી ફરીથી બીજી આઝાદીની લડાઈ લડવા માટે અનશન પર બેસવાના છે. જો કે તેમને પણ શંકા છે કે કેન્દ્ર સરકાર તેમની સાથે પણ બાબા રામદેવની જેમ સખ્તાઈ કરવાની છે.

ત્યારે અત્યારના સમયમાં આંદોલન માટેની લોકતાંત્રિક રીતોની પુન:સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શું અનશન હકીકતમાં આંદોલનનું લોકતાંત્રિક હથિયાર છે કે માત્ર તાયફો છે? અત્યાર સુધીમાં થયેલા અનશનમાં મોટાભાગે મુદ્દા પ્રત્યે સત્તામાં રહેલી સરકારને સહાનુભૂતિ હોય, તો જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. બાકીના તમામ અનશન કરનારાઓને જીવનથી હાથ ધોવા પડયા છે. શા માટે દેશમાં આટલા આતંકવાદી હુમલાઓ બાદ સશક્ત આતંકવાદ વિરોધી કાયદો બનાવવા માટે અનશન કરવામાં આવ્યા નથી? પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ફરીથી ભારતની પ્રભુસત્તા નીચે લાવવાની માગણી સાથે અનશન શા માટે થતા નથી? સંસદ પરના હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા માટે અનશન શા માટે થતા નથી? મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ત્યારે મોંઘાવારીને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલાની માગણી સાથે કોઈ અનશન શા માટે થતા નથી? ચૂંટણી સુધારા, રાજકીય પક્ષોમાં લોકતંત્ર, નક્સલવાદ પર લગામ, વોટબેંકની રાજનીતિ વગેરે મુદ્દાઓને લઈને ક્યારેય કોઈ અનશન શા માટે કરાયા નથી? લાગે છે કે ભારતના નવા અનશનવીરો આ વાતની પણ નોંધ લેશે.

Sunday, 19 June 2011

અખંડ ભારત માટે આગેકૂચ કરીએ

15 અગસ્ત કા દિન કહેતા-
આઝાદી અભી અધૂરી હૈ.
સપને સચ હોને બાકી હૈ,
રાવી કી શપથ ન પૂરી હૈ.


15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં એકતાવાળું એકાત્મ ભારત ખંડિત બન્યું. દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત અને જિન્નાની જીદ્દ તથા તત્કાલીન નેતાઓની મહત્વકાંક્ષાઓ અને રાજકીય ઉદાસિનતાને કારણે સદીઓથી એકાત્મ રહેલું રાષ્ટ્ર ખંડિત બન્યું છે. આજે આઝાદીના 62 વર્ષ વિત્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન ક્યાં આવીને ઉભા છે? ભારતે પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથે એક પારંપરિક યુધ્ધ કર્યું છે. જ્યારે પાકિસ્તાન સાથે કારગીલમાં મર્યાદિત યુધ્ધ પણ કરવું પડયું છે. 1971ના યુધ્ધમાં દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંતને નિષ્ફળ સાબિત કરીને પૂર્વ પાકિસ્તાનના અલગ થવાથી બાંગ્લાદેશની રચના થઈ હતી. આજે બાંગ્લાદેશ ગરીબી અને અસ્થિરતાની સમસ્યા સાથે જીવી રહ્યું છે. ભારતમાં પંજાબ, કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી અને દોરીસંચાર થકી આતંકવાદ ચાલી રહ્યો છે. મુંબઈની 26/11ની આતંકવાદી ઘટનાના ઘાવ હજી પણ રુઝાયા નથી. ભારત અને ભારતીય રાષ્ટ્રીય પ્રવાહના દ્રોહ પર, તેના વિરોધના પાયા થકી રચાયેલા પાકિસ્તાનમાં રાજકીય આતંકવાદથી ભારતમાં નિર્દોષોના રક્ત વહી રહ્યાં છે. જ્યારે 14મી ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થનારા પાકિસ્તાનમાં પણ તાનાશાહી શાસન, રાજકીય અસ્થિરતા અને અરાજકતા, તેમજ કટ્ટરપંથીઓ દ્વારા દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવાં તાલિબાનોની સમસ્યાએ પણ માથું ઉચક્યું છે. પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી આકાઓ દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ઝનૂન થકી તાલિબાનનો ભસ્માસૂર પાકિસ્તાનને પણ રક્તરંજિત કરી રહ્યો છે. હાથના કર્યા હૈયે વાગ્યા હોવા સંદર્ભની કબૂલાત પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર હોવાના કારણે ક્ષેત્રમાં પરમાણુ યુધ્ધનો ખતરો ઝળુંબી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન ભારતને પારંપરિક યુધ્ધમાં હરાવી શકે તેવી સજ્જતા અને સ્થિતિ ધરાવતું નથી.

આ તમામ પરિસ્થિતિ જાણતા હોય કે તેની સંભવના જોતા હોય, તેમ 15મી ઓગસ્ટ, 1947ના દિવસે મહર્ષિ અરવિંદે તેમના જન્મદિવસ અને ભારતના પ્રથમ સ્વતંત્રતા દિને આપેલા સંદેશામાં ખંડિત ભારતને અખંડ બનાવવા માટે લોકોને આહ્વવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારત આજે સ્વતંત્ર થઈ ગયું છે, પરંતુ એકતા પ્રાપ્ત કરી નથી. લાગે છે કે હિંદુ અને મુસલમાનના સ્વરૂપમાં જૂનું કોમવાદી વિભાજન હવે તરલ રહ્યું નથી. પરંતુ તેમણે દેશના સ્થાયી રાજકીય વિભાજનનું ઠોસ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ છે. એ આશા રાખવી જોઈએ કે આ નિર્ધારિત બાબત હંમેશા માટે પથ્થરની લકીર નહીં બને, તેને એક અસ્થાયી આવશ્યકતા જ સમજવી જોઈએ, કારણ કે આ વિભાજન અસ્તિત્વમાં રહેશે તો ભારત ગંભીરપણે અશક્ત બની જશે, વિકલાંગ પણ બની જઈ શકે છે, સદા ગૃહ ક્લેશની સંભાવના ઉભી થઈ શકે છે. બની શકે કે નવું આક્રમણ થઈ જાય અને વિદેશી આધિપત્ય આવી જાય. બની શકે કે ભારતનો આંતરિક વિકાસ અને સમૃધ્ધિ સ્થગિત થઈ જાય અને રાષ્ટ્રો વચ્ચે તેની પ્રતિષ્ઠા ઓછી થઈ જાય, તેનું ભાગ્ય ફૂટી જાય. આ ન થવું જોઈએ. જે પ્રકારે પણ હોય, જેવું પણ હોય વિભાજન સમાપ્ત થવું જોઈએ. એકતા આવશ્યકતા છે અને તેને પ્રાપ્ત કરવી જોઈએ, કારણ કે ભારતની ભાવિ મહાનતા તેના જ ગર્ભમાં સમાયેલી છે.”

આજે ભારતની નજીકમાં અફધાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અમેરિકા અને મિત્રદેશો તાલિબાનો સામે ભીષણ યુધ્ધ લડી રહ્યાં છે. દક્ષિણ એશિયામાં અમેરિકાનો પ્રભાવ અને દોરીસંચાર વધી રહ્યો છે. બની શકે કે ભારત અને પાકિસ્તાન પર અમેરિકા પોતાના આંતરરાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે તેમના સાર્વભૌમત્વને ખોરવી નાખવાની હદ સુધી પોતાનું દબાણ અને પ્રભાવ વધારી શકે છે. ઈજીપ્તના શર્મ-અલ-શેખમાં મુંબઈની આતંકવાદી ઘટનાના આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી વગર વાતચીત નહીં કરવાની રેકર્ડ વગાડનારા વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સાથે બે કલાક જેટલી લાંબી વાતચીત કરીને વિવાદાસ્પદ સંયુક્ત નિવેદન પણ બહાર પાડયું છે. માનવામાં આવે છે કે હિડન એજન્ડા સાથે ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનની યાત્રા પહેલા અમેરિકી પ્રભાવના દબાણ હેઠળ જ શર્મ-અલ-શેખમાં ભારતે પાકિસ્તાન સાથે શર્મનાક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું. અફધાનિસ્તાનમાં 9/11નો બદલો લેવા માટે ખેલાઈ રહેલા યુધ્ધમાં પાકિસ્તાની સેનાની જરૂરત હોવાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ રહે અને તણાવ ઓછો રહે તો, પાકિસ્તાનને ભારતની સરહદે પોતાની સેના ખસેડવાનું બહાનું મળે નહીં, તે માટે જ અમેરિકા પોતાના હિતો માટે શાંતિના તથાકથિત પ્રયત્નો કરી રહ્યું છે. જો કે આ પ્રક્રિયામાં અમેરિકાને પોતાનું હિત સાધ્ય થતું નહીં દેખાય, તો તે અન્ય વિકલ્પોને અજમાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે દક્ષિણ એશિયામાંથી અમેરિકી પ્રભાવને ઓછો કરવા માટે આવી પરિસ્થિતિઓના દબાણમાં આવ્યા વગર સ્વયંસ્ફૂરણાથી ભારત અને પાકિસ્તાને સહિયારી સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને સમજીને અખંડ ભારત માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવો જોઈએ, કે જેથી આ ક્ષેત્રના લોકો સૃમધ્ધિ, શાંતિ અને વિકાસનો ખરા અર્થમાં લાભ ઉઠાવી શકે.
અખંડ ભારત દેશની ભૌગોલિક એકતાનો જ પરિચાયક માત્ર નથી, તે જીવનના ભારતીય દ્રષ્ટિકોણનો પણ ઘોતક છે. તેનાથી અનેકતામાં એકતાના દર્શન થાય છે. તેથી અખંડ ભારત કોઈ રાજકીય નારો નથી. અખંડ ભારત આ રાષ્ટ્રત્વના સંપૂર્ણ દર્શનનો મૂળાધાર છે. વિભાજન, યુધ્ધો, આતંકવાદ અને અપાર જાનમાલની હાનિના કારણે લોકોને ભારતની અખંડતાના અભાવના પ્રત્યક્ષ પરિણામો જોવા પડયા છે. તેથી જ બંને દેશોને ફરીથી એક બનાવવા માટેની ભૂખ પ્રબળ બનાવવી પડશે. યુગોથી ચાલી આવતી વિચારધારાઓના અંતર્પ્રવાહોને જોવાનો પ્રયત્ન કરીએ, તો ખબર પડશે કે ભારતીય રાષ્ટ્રીય ચેતના સદૈવ અખંડતા માટે પ્રયત્નશીલ રહી છે અને આ પ્રયત્નોમાં આપણે સફળ પણ થયા છીએ.

ઉત્તરમ્ યત્ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણ.
વર્ષ તદ્ ભારતમ્ નામ ભારતી યસ્ય સંતતિ:
પુરાણોમાં ભારતવર્ષની વ્યાખ્યા કેવળ ભૂમિપરક નહીં, પણ જનપરક અને સંસ્કૃતિપરક છે. ભૂમિ, જન અને સંસ્કૃતિને એકબીજાથી અલગ ન કરી શકાય. આ તમામની એકાત્મતાની અનુભૂતિથી રાષ્ટ્રનો સાક્ષાત્કાર થાય છે. રાષ્ટ્રીય અને એકાત્મ સંસ્કૃતિની આધારભૂત માન્યતાઓને અખંડ ભારતમાં સમાવેશ થઈ જાય છે. અટકથી કટક, કચ્છથી કામરૂપ, કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંપૂર્ણ ભારતના કણ-કણ ને પુણ્યશાળી અને પવિત્ર જ નહી, પણ આત્મીય માનવાની ભાવના અખંડ ભારતમાં અભિપ્રેત થાય છે. આ પુણ્યભૂમિ પર અનાદિકાળથી જે પ્રજા ઉત્પન્ન થઈ છે, તેમનામાં સ્થાન અને કાળક્રમ પ્રમાણે ભિન્નતાઓ ગમે તેટલી હોય, પણ તેમના સંપૂર્ણ જીવનમાં મૂળભૂત એકત્વનું દર્શન અવશ્ય થાય છે.

અખંડતા ભારતની રાષ્ટ્રીય પ્રકૃતિ છે, જ્યારે ખંડિત ભારત વિકૃતિ છે. આજે વિકૃતિમાં આનંદાનુભૂતિનો ભ્રમ થાય, તો પણ વાસ્તવિક આનંદ તો અખંડ ભારત વગર દૂર જ રહેવાનો છે. જો આ સત્યને સ્વીકારીને અંત:સંઘર્ષ દૂર કરવામાં આવે તો જ અખંડ ભારત બનાવવાના પ્રયત્નોમાં એકતા અને બળ આવી શકે તેમ છે. અત્યારની વિપરીત પરિસ્થિતિમાં પણ અખંડ ભારતનું સપનું જોવું અને તેને યોગ્ય રસ્તે સાકાર કરવા માટેનો પ્રયત્ન કરવો કોઈ ગુનો નથી. જો જર્મની, ઓસ્ટ્રિયા, વિયેતનામ અને યમન એક થઈ શકતા હોય. દક્ષિણ-ઉત્તર કોરિયા ફરીથી એક થવા માટે પ્રયત્નો કરતાં હોય, યુરોપના 25 દેશો યુરોપિયન યુનિયનના નેજા હેઠળ એક મંચ પર આવતા હોય, ત્યારે ભારત, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના અન્ય રાષ્ટ્રો એક બનવાનું સ્વપ્ન કેમ ન જોઈ શકે ? આઝાદીના પર્વ નિમિત્તે પ્રશ્ન ઉદભવે છે કે શું ભારત અને પાકિસ્તાન ફરીથી એક ન થઈ શકે ?

જો ભારતનું વિભાજન પાયાની ભૂલ હોય, તો બંને દેશોના લોકો ભેગા મળીને ભૂતકાળની મહાભયાનક ભૂલને સુધારી ન શકે ? ભૂલોને સુધારવાની પ્રક્રયામાં માનવીય અહમો અને મૂર્ખતાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જો કે આ સપનું જાર-જબરદસ્તીથી સાકાર નહીં થઈ શકે. તેના માટે લશ્કરો કામમાં નહીં આવે, પણ ભૂતકાળની ભૂલો સુધારવા માટે આત્મમંથનની પ્રક્રિયા દ્વારા લોકોના હ્રદયપરિવર્તનની આવશ્યકતા છે. જેમણે ભારતની એકતામાં અનેકતા જોઈ અને દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત ઘડયા, પ્રાદેશિક રાષ્ટ્રવાદની અવધારણાને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે લોકોના માનસ વિષાક્ત બન્યા છે, તેમને ફરીથી હ્રદયપરિવર્તનની પ્રક્રિયા દ્વારા વિષવિહીન કરી શકાય તેમ છે. એક જન, એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિના જનસમૂહમાં પૂજા પધ્ધતિ અને પંથોના બદલાવવા માત્રથી રાષ્ટ્રીયતામાં કેવી રીતે પરિવર્તન થઈ શકે ? આ ધરતીને પુલકિત કરવા માટે તમામ વર્ગ, જાતિ અને પંથના લોકએ પોતાના ખૂન-પસીનાથી સિંચન કર્યું છે. ત્યારે હિંદુ અને મુસ્લિમને એક અલગ રાષ્ટ્ર માની લેવું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રને પાર પાડવા જેવું કામ છે. ભારતવર્ષની આઝાદી પ્રસંગે બીજા વિશ્વયુધ્ધમાં ખુવાર થયેલા બ્રિટન, યુરોપ અને અમેરિકા અખંડ ભારત થકી પોતાની સામે કોઈ પડકાર ઉભો થાય તેમ ઈચ્છતા ન હતા. જેના કારણે બ્રિટિશરોએ ભારતમાં પાન-ઈસ્લામિક મૂવમેન્ટને પ્રચારિત અને પ્રસારિત થવામાં સહાયતા પૂરી પાડી હતી. જેના થકી ભારતમાં પંથના નામે પૃથકતા ઉભી કરીને ઈતિહાસના વિકૃતિકરણ દ્વારા ભારત બહારથી પ્રેરણા મેળવીને સ્વતંત્રતાના યુધ્ધમાં એક જનસમૂહના મોટા હિસ્સાને દૂર રાખવામાં આવ્યો હતો.

તેમ છતાં એક વાત યાદ રાખવા જેવી છે કે ભારતવર્ષ મધ્યયુગીય બર્બરતા અને બ્રિટિશયુગની લુચ્ચાઈ થકી ખંડિત થયા બાદ પણ અખંડતાના બિંદુ પર સ્થિર થશે, જે આ રાષ્ટ્રની નિયતિ છે. કારણ કે તક્ષશિલા, નાનકાના સાહિબ, સિંધુ, ચટગાંવ અને ઢાકેશ્વરીના પોકારોને અણસૂના કરી શકાય તેમ નથી. એ તથ્યને બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધમનીઓમાં એજ રક્તસંચારિત થાય છે કે જે ભારતની રક્તવાહિનીઓમાં પ્રવાહિત થઈ રહ્યું છે. કેટલાંક પ્રસંગો પણ કહે છે કે ભારતનું વિભાજન એક અસ્થાયી રાજકીય વ્યવસ્થા માત્ર છે. યહુદીઓને તેમના દેશમાંથી ખદેડી મૂક્યાને 1800 વર્ષ જેટલો સમય થયો, પણ અનેક દમનકારી ઘટનાઓ બાદ પણ તેઓ તેમની માતૃભૂમિ ઈઝરાયેલમાં પોતના સ્વાધીન અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શક્યા છે. દ્રઢતા અને માનસિક બળના કારણે પેઢી દર પેઢી સદીઓ સુધી યહુદીઓના મનમંદિરમાં પ્રજવલિત રહેલા ઈઝરાયેલમાં પોતાના રાષ્ટ્રની પુનર્સ્થાપના માટેના અખંડદીપને કારણે તેમનું સ્વપ્ન સાકાર બની શક્યું હતું. યહુદીઓના ઘરોમાં ટંગાયેલા યેરુસલેમની વેલિંગ વોલના ચિત્ર અને આવતે વર્ષે યેરુસલેમમાં મળવાના દ્રઢસંકલ્પે તેમની ઈચ્છાઓની પૂર્તિ કરી તે સર્વવિદિત છે. ઈતિહાસના સમુદ્રમાં ગરકાવ થઈને પુનર્જીવત થયેલા આ રાષ્ટ્રની કથનીથી, અખંડ ભારતનું સ્વપ્ન વધારે દુષ્કર તો નથી ને ?

દ્વિતિય વિશ્વયુધ્ધમાં પરાજિત થયેલા ઓસ્ટ્રિયાને અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સે ચાર ભાગમાં વિભાજીત કર્યું હતું. પણ તેમ છતાં ઓસ્ટ્રિયાના લોકોની દ્રઢઈચ્છાશક્તિ અને ત્યાંના નેતાઓની સફળ કૂટનીતિના પરિણામે ઓસ્ટ્રિયા આજે સ્વતંત્ર અને એકીકૃત રાષ્ટ્ર છે. તો મૂડીવાદી ઉત્તર યમન અને કમ્યુનિસ્ટ દક્ષિણ યમન ત્રણ યુધ્ધો બાદપણ 1990માં ફરીથી એક બન્યા છે. તેમના એકીકરણ વખતે બંને દેશો વચ્ચે માથાદીઠ આવક અને વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું અંતર હતું. પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે યુધ્ધો કયારેય લડાયા નથી. પણ દ્વિતિય વિશ્વયુધ્ધ બાદ મિત્રદેશોએ 40 વર્ષ સુધી તેમને વિભાજીત અવસ્થામાં રાખ્યા હતા. પૂર્વ જર્મની પશ્ચિમ જર્મનીને ફાસિસ્ટ કહેતું હતું અને પશ્ચિમ જર્મની પૂર્વ જર્મનીને કમ્યુનિસ્ટ કહીને નફરત કરતું હતું. તેમની વચ્ચે ખટાશ એટલી હદે વધી ગઈ હતી કે સોશ્યાલિસ્ટ યુનિટી પાર્ટીએ પશ્ચિમ જર્મનીના ફાસિઝમ સામે રક્ષણ માટે રાજધાની બર્લિનમાં દિવાલ ચણાવી દીધી હતી. જો કે યુરોપમાં યુધ્ધખોરી વિરુધ્ધના પવન અને રાજકીય પીઢતાના પરિણામે કદી ન તૂટનારી બર્લિનની દિવાલ આજે અસ્તિત્વમાં નથી અને બંને જર્મનીનું ફરીથી એકીકરણ થઈ ચૂકયું છે. ઉત્તર અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ઘણાં લાંબા સમય સુધી લાંબા યુધ્ધો ચાલ્યા હતા. 1960થી 1975 વચ્ચે અમેરિકાએ વિયેતનામ યુધ્ધમાં હસ્તક્ષેપ કરીને પોતાની સેના ઉતારી હતી. જો કે તેમાં તેના ધણાં સૈનિકો માર્યા ગયા હતા. આટલા મોટાં જનસંહાર બાદ પણ કૂટનીતિ અને રક્તરંજિત ઈતિહાસને રૂખસદ આપવાની લોકોની તૈયારી તથા નેતાઓની તેને અનુકૂળ નીતિના પરિણામે હાલ સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામ અસ્તિત્વમાં આવી શક્યું છે.
દ્વિતિય વિશ્વયુધ્ધ બાદ ઉત્તર કોરિયા પર સોવિયત યુનિયન અને દક્ષિણ કોરિયા પર અમેરિકાએ નિયંત્રણ સ્થાપ્યું હતું. બંને ભૂ-ભાગોએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ અલગ વિચારધારા અને જીવનપધ્ધતિ અપનાવી છે. તેમની વચ્ચે થયેલા હિંસાચારમાં અંદાજે ચાલીસ લાખથી વધારે લોકો મોતને ભેટયા છે. ત્યારે તણાવ અને છમકલાઓ વચ્ચે પણ બંને દેશો વચ્ચે દુશ્મની ખતમ કરીને ફરીથી એકીકરણ માટેની વાટાઘાટો હાથ ધરવાની કોશિશો કરવામાં આવે છે.

ઈમ્યુનલ કાંત નામના તત્વચિંતકે 1795માં સ્વતંત્ર દેશોના ફેડરેશનને વૈશ્વિક શાંતિ માટે આવશ્યક ગણાવ્યું હતું.પણ તે વખતે તેણે વિચાર્યુ પણ નહીં હોય કે 198 વર્ષ બાદ 25 જેટલા યુરોપીયન દેશો એકબીજાની નજીક આવીને યુનિયન બનાવશે. તે વખતે તો યુધ્ધગ્રસ્ત યુરોપની એકતા માત્રને માત્ર તત્વચિંતકના મનનું સ્વપ્ન માત્ર હતી. ફ્રાન્સ અને જર્મની વચ્ચે સત્તરમી સદીથી 1945 સુધી અનેક યુધ્ધો થયા હતા. બંને દેશોના પાડોશી દેશો તેમની વચ્ચેના ભીષણ યુધ્ધના ઓથાર નીચે જીવી રહ્યાં હતા. જેના કારણે યુરોપમાં બે મહાયુધ્ધો પણ થયા હતા. પણ યુરોપીયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટી દ્વારા 1951માં અપાયેલા સ્કૂમન પ્લાને યુરોપમાં યુધ્ધ અસંભવ બનાવી દીધુ હતું. ત્યાર બાદ આવેલી યુરોપીયન ફ્રી માર્કેટની સંકલ્પનાથી નાગરિકો, સરસામાન અને સેવાઓનું મુક્ત આવા-ગમન શક્ય બન્યું હતું.1957માં રોમ સંધિ દ્વારા યુરોપિયન ઈકોનોમી કોમ્યુનિટી (ઈઈસી) અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારબાદ ઈઈસીમાંથી યુરોપિયન યુનિયન(ઈયુ) અસ્તિત્વમાં આવ્યું છે. યુરોપિયન યુનિયને પારસ્પરિક અવલંબન અને આંતરિક ગુંથણીવાળા અર્થતંત્ર દ્વારા યુરોપમાં શાંતિની પ્રસ્થાપના કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હાલમાં યુરોપિયન યુનિયનના અર્થતંત્રના એકીકૃતની કડીથી આગળ વધીને સમાન સંરક્ષણ, સમાન વિદેશ નીતિ અને સમાન કરન્સી અપનાવી છે. જો જનમતમાં યુરોપિયન યુનિયનના લોકો હકારાત્મક પ્રતિસાદ આપે તો તેમનું સમાન બંધારણ પણ અસ્તિત્વમા આવે તેવી સભાવના પ્રબળ બની છે. દ્વિતિય વિશ્વયુધ્ધના 60 વર્ષો બાદ યુરોપિયન યુનિયન થકી યુરોપના તમામદેશોના સંરક્ષણ બજેટમાં ઘટાડો થયો છે. આ નાણાં જનવિકાસ માટે વપરાઈ રહ્યાં છે. ત્યારે યુરોપિયન યુનિયન દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર સમૂહના દેશોમાં એકતા અને શાંતિ માટે રોલ મોડલ બની શકે તેવી સંભાવના જાણકારો જોઈ રહ્યાં છે.

સાઉથ ઈસ્ટ એશિયન નેશન-આસિયાન પરથી પ્રેરિત થઈને સાઉથ એશિયન એસોશિયેશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન (સાર્ક) 1985માં અસ્તિત્વમાં આવ્યું છે. સાર્કમાં 2000માં કોલંબો સમિટ દરમિયાન 2010 સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, 2015 સુધીમાં કસ્ટમ યુનિયન, 2020 સુધીમાં ઈકોનોમિક યુનિયનની સંભાવના દર્શાવતો દસ્તાવેજ રજૂ કરાયો હતો. ઈસ્લામાબાદ ખાતેની સાર્ક સમિટમાં સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયાના ફ્રેમ વર્કની સંધિ પર હસ્તાક્ષર થયા હતા. જે પહેલી જાન્યુઆરી,2006થી અસ્તિત્વમાં આવનાર હતી. પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ખટાશ અને અન્ય કેટલાંક કારણોને કારણે સાર્કને તેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે હજી ધારી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.

ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લચીલો મહાસંઘ બને તે માટેની પૂર્વભૂમિકા તૈયાર કરીને સંરક્ષણ, પરિવહન, વેપાર અને વિદેશી બાબતો દ્વારા નિકટતા સાધવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે. આજે તો આ સપનું છે, પણ યથાર્થ ગમે તેટલું કડવું હોય, તો પણ સપનું જોવાનું અને તેને સાકાર કરવાના સંકલ્પને છોડી શકાય તેમ નથી. અખંડ ભારતના સપના સંદર્ભે આપત્તિ વ્યક્ત કરનારાઓ કે તેને અપ્રસ્તુત ગણનારા લોકોની ભારતમાં અછત બિલકુલ નથી. તો સામે છેડે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આ બાબતે કોઈ વૈચારિક સળવળાટ દેખાતો નથી. જેના કારણે અખંડ ભારત સિધ્ધ થશે કે નહીં જેવી શંકાઓ પરાભૂત મનોવૃતિવાળા લોકો પર પ્રભાવી બની ગઈ છે. અર્ધશતાબ્દિના ઈતિહાસ અને પ્રયત્નશીલતાની અસફળતાથી દબાઈ ગયેલા લોકોમાં ઉપર ઉઠવાની હિંમત રહી નથી. 1947માં કોંગ્રેસની હિંદુ-મુસ્લિમ એકતાના તુષ્ટિકરણ થકીના પ્રયત્નોનો પરાજય અને મુસ્લિમ લીગની પૃથકતાવાદી નીતિઓનો વિજય થયો હતો. ત્યાર પછી તૂટેલી હિંમતવાળા લોકોએ આ પરાજયને સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરી જોયો છે, પણ આ પરાજય સ્થાયી થવો અસંભવ છે. રાષ્ટ્રની પ્રકૃતિથી પ્રતિકૂળ બનીને ચાલવું કોઈપણ માટે અશક્ય છે. ગત વર્ષની કષ્ટકારક પરંપરાઓનું કારણ રાષ્ટ્રની અખંડતાની પ્રકૃતિની પ્રતિકૂળ ચાલવાની આત્મઘાતી પ્રવૃતિનું પરિણામ છે. અખંડ ભારત દેશની, રા્ષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે આપણે કોઈ ખોટા ઉદેશ્યને કારણે કંઈ અસફળ નથી થયા, પણ આપણે આપણા સાધ્ય માટે ખોટું સાધન પસંદ કર્યું છે. જે આપણી અસફળતાનું મુખ્ય કારણ પણ બન્યું છે. સદોષ સાધનને કારણે સાધ્યની સિધ્ધિ ન થાય, તો બાદમાં સાધ્ય ક્યારેય ત્યાજ્ય અને અવ્યવહારિક બનતું નથી.

દિન દૂર નહીં ખંડિત ભારત કો
પુન: અખંડ બનાયેંગે .
ગિલગિટ સે ગારો પર્વત તક
આઝાદી પર્વ માનાયેંગે.
જો કે કાશ્મીર વગર પાકિસ્તાનને અધૂરું માનનારાઓને વિધેયક સંદેશ આપવો જોઈએ કે પાકિસ્તાન વગરનું ભારત પણ અધૂરું છે, ખંડિત છે. અનેક રાષ્ટ્રભક્તોએ આઝાદી વખતે અખંડ ભારત માટે જ બલિદાનો આપ્યા હતા. આજે પણ અખંડ ભારતનું સ્વપ્ન જોનારા રાષ્ટ્રભક્તો જ હોઈ શકે છે. જો કે જ્યાં સુધી પાકિસ્તાન અલગ છે, ત્યાં સુધી આતંકવાદ અને અન્ય મુદ્દાઓ સંદર્ભે દ્રઢ નીતિ અખત્યાર કરવી પડશે. કમજોર નીતિ ક્યારેય ઉદાર નીતિનો પર્યાય બની શકતી નથી. તેના ખોટા અર્થઘટનો પાકિસ્તાન દ્વારા થાય છે. જો કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સમૃધ્ધિ માટે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર બને તે જ એક માત્ર ઉકેલ છે. કદાચ અખંડ ભારતની રચના માટેની પ્રક્રિયા અને તેનો પ્રકાર અલગ હોઈ શકે, કારણ કે અખંડ ભારતની સંકલ્પના શાશ્વત છે. સોવિયત યુનિયનમાં તેના સ્વભાવ વિરુધ્ધ કમ્યુનિસ્ટ વિચારધારા તળે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળા રાષ્ટ્રોને એક કરવામાં આવ્યા હતા. તેની પરિસ્થિતિ MANY NATIONS UNDER ONE STATE હતી. જો કે 80 વર્ષના સમયગાળામાં સોવિયત યુનિયન વિખંડિત અવસ્થામાં આવી ગયું છે. તેનું કારણ સોવિયત યુનિયનના દેસોની પ્રકૃતિ એકાત્મતાવાળી ન હતી. જ્યારે ભારતવર્ષની પ્રકૃતિ એકાત્મ રાષ્ટ્રની છે. તેને ખંડિત કરવા છતાં તેનું ભાવિ અખંડતા જ છે.

માટે જ-

ઉસ સુવર્ણ દિવસ કે લિયે આજ સે
કમર કસેં, બલિદાન કરે.
જો પાયા ઉસમેં ખો ન જાયે.
જો ખોયા ઉસકા ધ્યાન કરે.

સંઘ મુસ્લિમ વિરોધી નહીં, ભારતવિરોધીઓનો વિરોધી

કોઈપણ વિચાર કે વિચારધારા પ્રત્યે તેને તેની સમગ્રતામાં વિચાર્યા વગર જ અસહિષ્ણુતા દાખવીને તેના માટે નિવેદનો કરવા કે લખાણ લખવું, તેનાથી મોટી સહિષ્ણુતાની ભાવનાની હત્યા અન્ય કંઈપણ નથી. કેટલાંક ચિંતકોના આરએસએસ માટે અલગ પ્રકારના મત અને દ્રષ્ટિકોણ છે.” આરએસએસ તમામ મુસ્લિમોને એક થીજેલું બીબું કે પછી અખંડ ખડક રૂપ માને છે. આરએસએસને તેની સંકુચિત અને હઠીલી માનસિકતામાંથી મુક્ત કરવા માટે ગોર્બોચોફની જરૂર છે.”- એવી રીતના નિવેદનો સાથે લેખ પણ છપાય છે. પણ આરએસએસ માટે આવા પ્રકારના લેખો કે વાતો નવી નથી. દુનિયામાં વિચારધારા પેદા થાય તે પહેલા તેને મારી નાખવાની ચેષ્ટા બહુ ઓછી થાય છે. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વરૂપે શરૂ થયેલા એક આંદોલનને તેના પ્રારંભકાળથી મૃત્યુશૈયા પર સુવડાવી દેવાની ચેષ્ટા અનેક મોટા નેતાઓ અને ચિંતકો દ્વારા થઈ છે, પણ આજે 83 વર્ષ બાદ પણ આ વિચારધારા મરવાનું તો બાજુ પર રહ્યું, પણ આજે પોતાના દમ પર હિંદુ સમાજને સંગઠિત કરીને અડીખમ ઉભી છે. 1925ની વિજ્યાદશમીના દિવસે નાગપુરમાં ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્ર આરાધન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનું બીજારોપણ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના સાથે જ કહેવાતા મોટામોટા વિચારકો, ચિંતકો, નેતાઓ અને સમાજના અગ્રગણ્ય સ્વનામધન્ય વ્યક્તિઓએ તેને ભારે અન્યાય કર્યો છે. કોઈપણ વિચાર કે વિચારધારાને તેની સમગ્રતામાં સમજ્યા વગર કરવામાં આવતા હુમલા કેવા હોય, તે આરએસએસ સાથે કરતા કહેવાતા બૈધ્ધિકોના વ્યવહારથી ધ્યાનમાં આવે છે. આ એક એવું સંગઠન છે કે જે તેના ઉદેશ્ય માટે વિચારબધ્ધ થતાં પહેલા સંગઠનબધ્ધ બન્યું હતું. 33 વર્ષ સુધી સરસંઘચાલક પદે રહેલા આરએસએસના દ્વિતિય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરે સંઘની વિચારધારાને વિચારબધ્ધ કરી હતી. જો કે સંઘને થોડુ-ઘણું જાણવાનો મોકો મળ્યો તે પરથી લાગે છે કે આરએસએસ સામે કરવામાં આવતી ટીકાઓને સંઘ સહન કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ તે આ પ્રકારે ચિંતકો અને લેખકોની ટીકા-ટીપ્પણીઓને આવકારશે કારણ કે આરએસએસના અત્યાર સુધીના નેતાઓના વલણ દર્શાવે છે કે તેમનામાં ચિંતનાત્મક સહિષ્ણુતા હંમેશા રહી છે અને આગળ પણ રહેશે.

આરએસએસ માટે થતી અનેક ટીકાઓમાંથી એક ટીકા તે મુસ્લિમ વિરોધી હોવાની છે. પણ આરએસએસની વિચારધારાને તપાસતા કે તેના સમગ્રતાથી સંપૂર્ણ વિચાર કરતાં તે કોઈના વિરોધ પર કે ધૃણા પર વિકસિત થયેલી છે કે કેમ? આ વિચારધારા સર્વપંથસમાવેશક છે કે કેમ? તેનો અભ્યાસ કરવો જરૂરી બને છે. એમ.એસ ગોલવલકરે આરએસએસની વિચારધારાને લીપિબધ્ધ કરવા માટે અનેક વક્તવ્યો, બંચ ઓફ થોટ્સ નામનું પુસ્તક, અનેક લેખો અને પત્રકારો તથા અન્ય મહાનુભાવો સાથે કરેલી વાતચીત દ્વારા તમામ દર્શનને સ્પષ્ટતા, નિડરતા અને અસંદિગ્ધાપૂર્વક સમગ્ર દેશ અને સમાજ સામે મૂક્યું છે. આ વિચારોની સમગ્રતાનું સંપૂર્ણપણે ચિંતન કરીને તેને પચાવનારા લોકો માટે તે કોઈ ફાસિસ્ટ, મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી કે અન્ય કોઈપણ બાબતનું વિરોધી નથી. એવા અસંખ્ય લોકો અને સ્વયંસેવકો છે કે જેમના માટે ગોલવલકરના વિચારો પૂર્ણત્ રાષ્ટ્રીય વિચારો છે.

આ વિચારો સંદર્ભે ચર્ચા કરતાં પહેલા એક ગંભીર ચેતવણી કે રાષ્ટ્રપ્રેમી વિચારો અને દ્રષ્ટિકોણ, રાષ્ટ્રને અને તેના હિતને નુકસાન પહોંચાડનારા રાષ્ટ્રવિરોધી તત્વો માટે અનુકૂળ નથી. માટે તેમણે તેમની પક્ષપાતી દ્રષ્ટિ સહિત તેનાથી દૂર રહેવું હિતાવહ છે. તેમ છતાં તેનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઈના વિરુધ્ધમાં કે કોઈ પ્રતિક્રિયામાંથી પેદા થયા છે. એમ. એસ ગોલવલકરે મધરલેન્ડના સંપાદક સાથેની વાતચીતમાં એકતા માટે સમરસતાની આવશ્યકતા હોવાનું જણાવતા કહ્યું છે કે "ભારતમાં સદૈવ અગણિત વિવિધતાઓ રહી છે, તેમ છતાં આપણું રાષ્ટ્ર ઘણાં લાંબા સમય સુધી અત્યંત સમર્થ અને સંગઠિત રહ્યું છે. એકતા માટે એકરૂપતા નહીં, પણ સમરસતાની જરૂર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-107) તેમના મત પ્રમાણે, જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંહ સાથેની મુલાકાતમાં ગોલવલકરે હિંદુ અને મુસલમાનને સરખાં ગુનેગાર ગણાવીને જણાવ્યું હતું કે "ભારત અને પાકિસ્તાન પ્રત્યે મુસલમાનોની બેવડી નિષ્ઠા પ્રત્યેના કારણો ઐતિહાસિક હોવા પાછળ રંજ માત્ર પણ શંકા નથી. તેના માટે હિંદુ અને મુસલમાનો સરખા ગુનેગાર છે. ભાગલા બાદ તેમની ઉપર આવેલી મુસીબતો અને પેદા થયેલી અસલામતીની ભાવના પણ એક કારણ છે, તેમ છતાં કેટલાંક લોકોની ભૂલને કારણે સંપૂર્ણ સમાજને જવાબદાર ઠેરવી શકાય નહીં.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ્ષ્ઠ ક્રમાંક-110) તેમણે સ્નેહથી મુસ્લિમોની નિષ્ઠા પર વિજય પ્રાપ્ત કરવાની નીતિને તેમની તરફની સાચી નીતિ ગણાવી છે. તેમણે મુસલમાનોને ભારતીયતાના પ્રવાહમાં ભળી જવા માટે આહવાન કર્યું છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-110) તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124) પાંચજન્યના તત્કાલિન તંત્રી સાથેની વાતચીતમાં ગોલવલકરે ઉપાસના પધ્ધતિ તરફ હિંદુત્વના અભિગમ સંદર્ભે જણાવ્યું હતું કે "હિંદુઓના આધ્યાત્મિક જીવનનો નિષ્કર્ષ છે કે ભગવાન સુધી પહોંચવાના અનેક માર્ગ છે,જે માર્ગ જેને પસંદ હોય તે જ એને માટે અનુકૂળ અને શ્રેષ્ઠ છે. તેથી હિંદુ સમાજે પોતાની અંતર્ગત અને બહાર પણ મનચાહી રીતે ઉપાસના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે, ભવિષ્યમાં પણ આપશે.”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-100)

ન્યૂયોર્ક ટાઈમ્સના સંવાદદાતા લુક્સ સાથેની વાતચીતમાં ગોલવલકરે હિંદુ-મુસ્લિમને બે વિરોધી જૂથ તરીકે જોવામાં આવે છે, તેને જ મુશ્કેલી ગણાવી હતી. તેમણે કહ્યું છે કે "છેલ્લા દોઢસો વર્ષથી એવો સિધ્ધાંત નિર્માણ કરવામાં આવ્યો છે કે તેઓ એક બનીને રહી શકે તેમ નથી. પણ મને વિશ્ર્વાસ છે કે અમે ખૂબ સારી રીતે સાથે રહી શકીએ તેમ છીએ. ઉપરોક્ત અશુધ્ધ વિચાર આપણે છોડવો પડશે અને આપણે સૌ એક જ રાજ્યના નાગરિકો છીએ એવા શુધ્ધ અને સરળ દ્રષ્ટિકોણને અપનાવવો પડશે. કોઈને કોઈ વિશિષ્ટ સગવડો નહીં મળે, તે વૈચારિક દ્રષ્ટિ અપનાવવામાં આવે તો કોઈ મુશ્કેલી નહીં નડે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-86,87) તેમણે સંઘ ઈસ્લામ વિરોધી ન હોવાનું જણાવતા કહ્યું છે કે "અમે ઈસ્લામ પંથના વિરોધી નથી. હિંદુ ખૂબ ઉદાર છે. તેમનામાં વૈદિક અને અવૈદિક વગેરે સૌને માટે સ્થાન છે. અમારો વિરોધ આ દેશના મુસલમાનોની મનોવૃતિ સામે છે. કોઈ ત્રીજું પરિબળ સામે ન આવ્યું હોત તો અમે બહુ સારી રીતે આ સમસ્યાને ઉકેલી હોત.અન્ય પંથોની જેમ જ મુસલમાનો પણ હિંદુ ધર્મમાં એવું જ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-87) બિનહિંદુઓ પ્રત્યે ધૃણાના આક્ષેપોને નકારતા ગોલવલકરે કહ્યું છે કે "આ તો સૌથી કમનસીબ આક્ષેપ છે. આ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવું પૂરતુ છે કે અમે આપણી ઉજ્જવળ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માગીએ છીએ. જેમાં તલભાર પણ ધૃણા નથી. અમે કોઈપણ જનસમુદાયની ધૃણા કરતાં નથી.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-4) તેમણે ધૃણાને નકારાત્મક પ્રતિક્રિયા ગણાવીને કહ્યું છે કે "શત્રુ અને તેના ધૃણાજનક કામનો સતત વિચાર કરવાથી આપણા લોકો અને સંસ્કૃતિ પ્રત્યેનો હકારાત્મક સ્નેહ નષ્ટ થાય તો સ્વાભાવિક છે. તેથી જ આપણા લોકો દેશભક્તિના નામે બ્રિટિશ વિરોધી કે મુસ્લિમ વિરોધી બની રહ્યાં છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-18) પાકિસ્તાન સંદર્ભે ગોલવલકરે કહ્યં છે કે "પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર જ ભારત પ્રત્યેની ધૃણા છે. તેથી પાકિસ્તાન માટે ધૃણા અનિવાર્ય છે. તે સિવાય તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25) ગોલવલકરના મતે દેશ અખંડ બનશે તો મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. તેમના કહ્યું છે કે " વિભાજન તર્કહીન છે. તે ખતમ થવું જોઈએ. તેનાથી મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. ભાગલાથી આ સમસ્યા ઉકલી નથી, ઊલટી વધારે તીવ્ર બની છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25)

હિંદુ શબ્દ સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે "હિંદુ શબ્દ સાંપ્રદાયવાચક નથી. તેમ છતાં ઘણું ખરું લોકો હિંદુ રિલિજ્યન શબ્દ વાપરે છે, જે ખોટો શબ્દપ્રયોગ છે. હિંદુ રાષ્ટ્રીયતાનો બોધ કરે છે. આપણી માતૃભૂમિ પ્રત્યે અસંદિગ્ધ, નિષ્કપટ ભક્તિને પ્રાથમિકતા અપાય છે. આપણા અતિ પ્રાચીન ઈતિહાસ પ્રત્યે શ્રધ્ધાનો સ્વાભાવિક અર્થ આપણા પૂર્વજો પ્રત્યે શ્રધ્ધા થાય છે. એક સુરક્ષિત વૈભવયુક્ત રાષ્ટ્રીયજીવનની સમાન આંકાક્ષા, જેમાં ઉપાસનાપધ્ધતિ ક્યાંય આડી આવતી નથી. આ બાબતોનો સંપુટ હિંદુ રાષ્ટ્ર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-58) તેમણે મુસ્લિમોની અલગ રાષ્ટ્રીયતાને નકારી છે. તેમણે કહ્યું છે કે "દેશના મુસ્લિમો કોઈ વિશિષ્ટ ઉપાસના પધ્ધતિ અંગિકાર કરવા માત્રથી જ પોતાના પૂર્વજોથી અલગ શી રીતે થઈ જાય છે? પોતાની ભાષાનું જ્ઞાન ભૂલી જવાની જરૂર શા માટે માને છે? વિદેશી ભાષા અને લીપિ અપનાવવાનો દુરાગ્રહ શા માટે રાખે છે? આ સંદર્ભે તર્ક શુધ્ધ્ અભિગમ અપનાવવાથી કોઈ સમસ્યા રહેશે નહીં. અસંખ્ય મતમતાંતરો છતાં આજે પણ આપણે એક રાષ્ટ્ર છીએ. રાષ્ટ્રીયતાની આ પુરાતન ધારા આજે પણ અવિરત વહી રહી છે. આ રાષ્ટ્રીયતા જ છે. તેમના મતે રાજકીય ક્ષેત્રમાં જે પંથનિરપેક્ષતાનો ઉદઘોષ થઈ રહ્યો છે, તેનો અર્થ ધર્મનો વિરોધ નહીં પણ તમામ ધર્મો પ્રત્યે આદર અને સન્માનની ભાવના ધરાવવી છે. આ હિંદુતાની સંકલ્પના છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-59) તેમણે બિનહિંદુઓ માટે કહ્યું છે કે "તેમણે પણ હિંદુઓની જેમ જ આ દેશ, તેમા વસતા લોકો, સંસ્કૃતિ, પરંપરા, ઈતિહાસ-ભૂતકાળની સ્મૃતિઓ ભવિષ્યની આંકાક્ષાઓ પ્રત્યે પોતીકાપણાની ભાવનાનો અનુભવ કરવો જોઈએ. આટલું કર્યા બાદ કોઈ કહે કે તેણે કુરાન કે બાઈબલનું ઝીણવટથી અધ્યયન કર્યું છે અને તેના હ્રદયને ઝંકૃત કરે છે, તો તેને અનુસરવાનું પગલું આવકાર્ય હશે. વ્યક્તિગત જીવનમાં તેને આ બાબતે પૂર્ણ અધિકાર છે. બાકીની તમામ બાબતોમાં તેણે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહની સાથે રહેવું જોઈએ.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ-59,60)ગોલવલકરના મત પ્રમાણે, રાષ્ટ્રીય ચેતનાનો અભાવ અને પરિણામે અલગતાવાદની વૃધ્ધિ રાષ્ટ્રીય બીમારી છે. ગોલવલકરના મત પ્રમાણે, અન્યો પર આક્રમણ કર્યા વગર પોતાના ધર્મનું પાલન કરે તે હિંદુ છે.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-68) મુસલમાનોને સંદેશ આપતા ગોલવલકરે કહ્યું છે કે "તેઓ આ દેશના છે અને તેમની નસોમાં એક જ રક્ત વહી રહ્યું છે. તેઓ ન તો અરબી છે, ન તો તુર્કી છેકે ન તો મોગલ છે. જેમનો ધર્મ બદલાયો છે. તેવા મુસલમાનો પણ ભારતીય છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-69)

હિંદુસ્થાન હિંદુઓનું એ નારા સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે "હિંદુઓ માટે હિંદુસ્થાનને બાદ કરતાં વિશ્વમાં અન્ય ક્યો દેશ છે? આ વાત સાચી નથી ?તેથી અમે એટલું જ કહીએ છીએ કે હિંદુસ્થાન હિંદુઓનું છે. હિંદુસ્થાન માત્ર હિંદુઓનું છે, તેમ કહેનારા લોકો બીજા છે”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-7) જો કે સંઘની ઈસ્લામ સંદર્ભે અને રાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રત્યે સ્પષ્ટતા કરતાં ગોલવલકરે કહ્યું છે કે "એક સંપ્રદાય તરીકે ઈસ્લામનો સંઘમાં સમુચિત આદર થાય, પણ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિને બદલે ઈસ્લામી કે અન્ય કોઈ સંસ્કૃતિ કે પરંપરા સ્થાપવા માટે સંઘ કદાપિ તૈયાર નહીં થાય.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-179) દૈનિક નવકાલના સંપાદક સાથે વાતચીતમાં ગોલવલકરે કહ્યું છે કે "લઘુમતી માટેના અધિકાર અને વિશેષાધિકારની દ્રષ્ટિથી ઈન્ટીગ્રેશનનો વિચાર ડિસઈન્ટીગ્રેશન માગી લેવા બરાબર છે. પ્રત્યેક જમાત, વર્ગ કે પ્રદેશની વિશેષતા ટકાવી રાખવાની વાત એટલી જ ઘાતક છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-95) તેમણે ડૉ.સૈફુદ્દીન જિલાની સાથેની વાતચીતમાં કહ્યું છે કે "અન્ય લોકોની જેમ જ તેમની યોગ્ય માગણીઓને પૂરી કરવી જોઈએ. તેમ છતાં મનમાં આવે ત્યારે વિભિન્ન પ્રકારની સુવિધાઓ અને વિશેષાધિકારોની માગણીઓને કરતાં રહેવું ન્યોયોચિત નથી.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-103) તેમણે ભારતીયકરણ સંદર્ભે કહ્યું છે કે "ભારતમાં વસતી પ્રત્યેક વ્યક્તિ પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય ,ઈસાઈ હોય કે પછી બીજી જાતિની હોય-પોતાના દેશ ભારતને વફાદાર રહેવું જોઈએ. તેઓ પોતાની પધ્ધતિ મુજબ ભગવાનની પ્રાપ્તિ માટે જે કરતાં હોય, તેમા આપણે સહકાર આપીશું. પણ રાષ્ટ્રવિરોધી બાબતો દૂર કરવા માટે જ ભારતીયકરણનું સૂ્ત્ર અપનાવ્યું છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-138,139) દેશની કરુણ હાલતના ઉકેલ માટે ગોલવલકરે તમામ રાષ્ટ્રભક્ત પરિબળો અને તમામ રાષ્ટ્રવિરોધી તત્વોના ધ્રુવિકરણનો માર્ગ દર્શાવ્યો છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-12)
ગોલવલકરના મતે પચાસ પ્રકારના કાપડના ટુકડાઓને જોડી દેવાથી કાશ્મીરી શાલ નહીં, પણ ગોદડી જ બને છે. આ અલગતાની ભાવનાથી સંપૂર્ણરહિત અને સમરસ ઘટક અવયવો દ્વારા જ ભારતમાં એકાત્મતાની સુંદર શાલ પ્રાપ્ત થશે.(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.- 95) ગોલવલકરના મતે એકરૂપતા રાષ્ટ્રોના વિનાશનો સંકેત આપે છે. તેમણે કહ્યું છે કે "પ્રકૃતિ એકરૂપતાનો સ્વીકાર કરતી નથી. હું વિવિધ જીવનપધ્ધતિઓના સંરક્ષણની તરફેણ કરું છું. તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધતાઓ રાષ્ટ્રીય એકતામાં સહાયક બને રાષ્ટ્રીય એકતામાં અવરોધક ન બને.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-109) ગોલવલકરના વિચારો રાષ્ટ્રોતેજક છે. રાષ્ટ્રીયતા સામે અરાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તો સામે રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેના સંઘર્ષમાં રાષ્ટ્ર માટે વાંછનીય શક્તિઓનો વિજય થાય તેવી ઈચ્છા અને ભાવના સંઘની વિચારધારામાંથી પ્રતિબિંબિત થાય છે. આ બાબત ક્યાં તત્વોને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂંચે છે? અને કેમ ખૂંચે છે? કોના સ્થાપિત હિતો પાર પાડવામાં સંઘનો વિરોધ કરવાથી સહયોગ મળે છે? તે સંશોધનનો વિષય છે. માટે જ કોઈપણ વિચારધારા તેની સમગ્રતાને આધારે સંપૂર્ણતાના છાયામાં ચિંતન પામે તે યોગ્ય છે. વળી સામ્યવાદની વિચારધાર અને વ્યવસ્થાની સરખામણી સંઘ સાથે થઈ શકે તેમ નથી. એકરૂપતાના પાયા પરની સામ્યવાદી ઈમારતની પાયાની ઈંટો વિચારધારાના ભટકાવને કારણે હલબલી ઉઠી હતી. તેવામાં ગોર્બોચોફનો ઉદય રશિયાના સામ્યવાદી શાસનના અંત અને મહાકાયદેશના વિધટનનું કારણ બન્યું છે. જ્યારે હિંદુત્વના માનવતાવાદી સર્વસમાવેશક વિચારની પાયાની ઈંટો મજબૂતીથી ગોઠવાઈ છે કે જેથી તે વર્ષોના ભારે વૈચારિક ઝંઝાવાતોનો અડગતાથી સામનો કરવા માટે સક્ષમ છે.. જ્યાં સુધી આ પ્રકારની ક્ષમતાઓ હિંદુત્વની વિચારધારામાં નિહિત રહેશે, ત્યાં સુધી કોઈ ગોર્બોચોફની હિંદુત્વને જરૂર પડશે નહીં. કારણ કે હિંદુત્વની વિચારધારાને આત્મસાત કરીને ચાલી રહેલા સંઘને આવા કોઈ ઉધારના નેતાઓ કે તેના વિચારોની ક્યારેય જરૂર પડી નથી કે પડશે નહીં.

ઉંડા અંધારેથી પરમ તેજે-
"આપણે જેવું બનાવીએ તેવું જ આપણું ભવિષ્ય હશે. બધો આધાર આપણે શું ઈચ્છીએ છીએ અને કેટલો પ્રયત્ન કરીએ છીએ તેના પર છે-"શ્રીગુરુજી

Saturday, 18 June 2011

ગાંધી ચિંધ્યા માર્ગે બહુ ચાલ્યા, NOW CHANGE THE ROAD

ભ્રષ્ટાચારની સામે અભિયાનો અને મુહિમના નામે દેશમાં બાબા રામદેવ અને અણ્ણા હજારે દ્વારા અનશનના ત્રાગાં ચાલી રહ્યાં છે. ગાંધીજી પાસેથી દેશને અનશનના ત્રાગાં અને હડતાલોનો વારસો મળ્યો છે. તેને બાબા રામદેવ અને અણ્ણા હજારે સારી રીતે જાળવી શકે તેમ લાગતું નથી. બાબા રામદેવ યોગાસનથી અનશનના સાતમા દિવસે આઈસીયૂમાં પહોંચી ગયા છે. અણ્ણા હજારેએ 15મી ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો આમ નહીં થાય તો..અણ્ણા દેશની બીજી આઝાદીની લડત 16મી ઓગસ્ટથી લડવાના છે. તેના માટે પણ અનશનના ત્રાગાંની તેમણે ધમકી આપી છે.

સૌથી પહેલી વાત તો એ કે દેશને અત્યારે જન લોકપાલ બિલ અને વિદેશમાં જમા કાળા ધનને દેશમાં પાછું લાવીને ભ્રષ્ટાચારને રોકવાની પ્રાથમિકતા છે કે આજે લગભગ 68 રૂપિયે લીટર પેટ્રોલ ભરાવતા આમ આદમીના ખિસ્સાને માર પડવો ઓછો થાય તેવી કોઈ મુહિમની જરૂરત છે? દેશમાં ગરીબી અને ગરીબ બંને વધી રહ્યાં છે, ત્યારે એ વાત તો કબૂલ કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર તેના મુખ્ય કારણ છે, પરંતુ 30 કરોડ લોકોના મધ્યમ વર્ગને મોંઘવારીના મારમાંથી રાહત થાય તે માટે ઈમરજન્સીમાં અનશનના ડોકટરો અણ્ણા હજારેએ અને બાબા રામદેવે કોઈ ઈલાજ કરવો જોઈતો હતો. પણ અણ્ણા અને રામદેવના ત્રાગાંમાં દેશના લોકો મોંઘવારીના ભારને ભૂલી ગયા છે. બાબા રામદેવે 400 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વિદેશમાંથી આવી જશે, તો એક રૂપિયાના પચાસ ડોલર થઈ જશેના દીવા સ્વપ્નો દેખાડયા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે એવો કોઈ દેશ નથી અને એવો કોઈ શાસક નથી કે જે કાળા ધન અને ભ્રષ્ટાચારને રોકી શકે. કારણ કે ભ્રષ્ટાચાર તો અર્થશાસ્ત્રના વિદ્વાન ચાણક્યના વખતમાં પણ હતો અને તેથી આગળ વધીને રામ રાજ્યમાં પણ તે હોવાનું નકારી શકાય તેમ નથી. ત્યારે આવા દીવસ્વપ્નોમાં રાચવા કરતા લોકોએ વ્યવહારીકતા અપનાવીને મોંઘવારીના મહાદાનવને હણવા માટે શસ્ત્રો સજ્જ કરવાની જરૂર છે.

પરંતુ બાબા રામદેવ અને અણ્ણા હજારેના આંદોલનની અનશનના ત્રાગાં કરવાની રીત ખોટી હોઈ શકે છે, પરંતુ તેમના બંનેના મુદ્દાઓમાં ઘણો દમ છે. તેમને લાગે છે કે ભારતમાં લોકશાહી છે અને તેઓ લોકતાંત્રિક રીતે પોતાના આંદોલન ચલાવે છે. તો તેમના ખ્યાલ તેમને મુબારક પણ ભારતમાં લોકશાહી ચાલતી નથી, અહીં તો ટોળાશાહી, ઠોકશાહી અને ડંડાશાહી ચાલે છે. ત્યારે 4 જૂન, 2011ની રાત્રે દેશ આખાએ જોઈ લીધું કે યુપીએ સરકારના મંત્રીઓએ ખેલ કરીને એક ભોટ બાબાને ભોળવી નાખ્યો. રામલીલા મેદાનમાં સરકારના ઈશારે પોલીસ તંત્રે રાવણલીલા આચરી. પંડાલમાં ઉંઘમાં રહેલા મહિલા અને બાળકો પર ડંડાઓ વરસાવવામાં આવ્યા. બાબા રામદેવ બાર ફૂટ ઉંચા મંચ પરથી કૂદકો મારીને લોકોમાં પહોંચ્યા, ત્યાંથી તેઓ મહિલાના કપડાં પહેરીને ભાગવાની કોશિશ પણ કરી. પરંતુ તેમા તેઓ સફળ થયા નહીં.

પરંતુ વિચાર કરો કે આ દેશના કોઈ વિસ્તારમાં શાહી ઈમામ જેવા કોઈ બની બેઠેલા મુસ્લિમ નેતા કે તેમની સામાજીક-ધાર્મિક સંસ્થાઓ કોઈ વિરોધ આંદોલન કરતી હોત અને તેમના આંદોલનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવાની શક્યતાથી પોલીસ કાર્યવાહી કરવાની ભારતની કોઈપણ સરકારે હિંમત દાખવી હોત. જો આવી હિંમત દાખવવામાં આવી હોત, તો તેના પ્રત્યાઘાત તરીકે દેશભરમાં હિંસક દેખાવો અને તોફાનો માટે સરકારે તૈયાર રહેવું પડત.

અરે દિલ્હીમાં ઉભા રહીને શાહી ઈમામે કહ્યું હતું કે તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો એજન્ટ છે. આ એ આઈએસઆઈની વાત છે કે જે ભારતમાં ભાંગફોડ અને આતંકવાદ માટે જવાબદાર હોવાનું અવાર-નવાર સરકારી એજન્સીઓ જણાવી ચુકી છે. પરંતુ આ જ સુધી શાહી ઈમામને સરકારે હાથ પણ લગાવ્યો નથી. બીજી તરફ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, આ વાત ભારતનું બંધારણ અને ભારતની સંસદ માને છે. તેમ છતાં કાશ્મીર ભારતનું અંગ ન હોવા સંદર્ભના નિવેદન બાદ માનવાધિકારવાદી કાર્યકર્તા અરુંધતિ રોય અને કાશ્મીરના અલગતાવાદી કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાની સામે ફરીયાદ થવા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જો કે સરકારે અરુંધતિ રોય, સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક માટે દેશભરમાં કાશ્મીર સંદર્ભે અનાપ-સનાપ બોલવા માટે કોન્ફરન્સો કરવાની મંજૂરી પણ આપી હતી. જો કે ભારતના લોકોએ જાગરૂકતા બતાવીને ગિલાની, મિરવાઈઝ અને યાસીનને જૂતાવાળી કરી હતી. તેને કારણે જ આવી કોન્ફરન્સો ભારતમાં અન્ય જગ્યાએ યોજાતી હમણા તો બંધ થઈ છે. માઓવાદીઓને બંદૂકો સાથેના ગાંધીવાદી ગણાવતા અરુંધતિના હાસ્યાસ્પદ નિવેદન છતાં તેના તરફ સરકારનું વલણ ક્યારેય તીખું થયું નથી.

પણ બાબા રામદેવે અનશન ચાલુ રાખવાની વાત કરી કે તેમના રામલીલા મેદાન ખાતેના પંડાલ પર સોનિયા ગાંધીના દોરી સંચાર તળે ચાલતી મનમોહન સિંહની સરકાર દળ-કટક સાથે ત્રાટકી હતી. શું બાબા રામદેવનો ગુનો એટલો છે કે તેઓ પોતાને દેશભક્ત હોવાનું જણાવી રહ્યા છે? તેઓ ભ્રષ્ટાચાર દૂર કરીને વિદેશમાંથી કાળું ધન પાછું લઈ આવવા માટે કાયદો બનાવવાની વાત કરી રહ્યાં છે, તે તેમનો ગુનો છે? શું તેઓ અનશન ચાલુ રાખીને કોઈ ભારત પર હુમલો કરવાનો હોય તેવું મોટું દુષ્કૃત્ય કરી રહ્યાં છે(મિત્રો ભારતની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને મુંબઈ પર હુમલો કરનાર કસાબ જેલમાં બિરયાનીની જ્યાફત ઉડાવી રહ્યાં છે.)? શું બાબા રામદેવ હિંદુ સન્યાસી છે, તે સરકારની અને સોનિયાની નજરમાં ગુનો છે? ભગવામાં આતંકવાદ જોનારા ચિદમ્બરમને રામદેવના ભગવા કપડાથી વાંધો છે? શું બાબા રામદેવે ભારત ભક્ત રહેવું જોઈએ? શું બાબા રામદેવે ભ્રષ્ટાચાર દૂર કરવાની અને કાળું ધન વિદેશમાંથી દેશમાં લાવવાની વાત ન કરવી જોઈએ? આટલા બધાં સંગીન ગુના કરવા બદલ તો બાબાને આઈસીયૂમાં જ નહીં, આ સરકારે તો અફઝલ અને કસાબ પહેલા ફાંસીના માંચડે ચઢાવી દેવો જોઈએ. કારણ કે આ દેશના સત્તાના મઠાધીશોને ભારતના દુશ્મન આઈએસઆઈ, અફઝલ ગુરુ અને કસાબથી જેટલો ખતરો નથી, તેટલો ખતરો બાબા રામદેવ અને અણ્ણા હજારે જેવા માથા ફરેલા ત્રાગાબાજોથી છે.

જો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાતો સાંભળતા સાંભળતા દેશને 63 વર્ષ પૂરાં થયા. પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને હડતાલોના ત્રાગાંથી આ દેશની એકપણ સમસ્યાનું સમાધાન થયું નથી. શું ગાંધી ચિંધ્યા માર્ગે ભ્રષ્ટાચાર દૂર થયો, કાળું ધન વિદેશથી પાછું આવ્યું, સંપૂર્ણ ક્રાંતિ થઈ શકી, આતંકવાદ દૂર થયો, કોમવાદને નાથી શકાયો, મોંઘવારી દૂર થઈ, દેશદ્રોહીઓની નશ્યત થઈ શકી, ભૂખમરો, ગરીબી, અજ્ઞાનતા, બેકારી દૂર થઈ શકી? ભારતનો આટલા લાંબા સમયનો અનુભવ તો કહે છે કે ભારતમાં ગાંધી ચિંધ્યા માર્ગે થયેલા આંદોલનોથી તો દેશની સમસ્યાઓ વધારે ગુંચવાઈ અને ગંભીર બની છે. ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું કોઈ કારણ બાકી રહી જાય છે?

જે વ્યક્તિઓને આ દેશના રાજકારણીઓએ ખૂબ કોસ્યા છે, તેવા ક્રાંતિવીર સાવરકર અને ભગતસિંહ જેવાં ક્રાંતિકારીઓના માર્ગે ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જલિત કરવાનો માર્ગે ચાલવાનું કેમ કોઈને દેખાતું નથી? સાવરકરે જે રસ્તો સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને બતાવ્યો હતો, તે માર્ગ પણ ચાલવાનો સમય પાકી ગયો છે. પરંતુ આના માટે નેતૃત્વ કોણ લે? લોકોને સાવરકર ચિંધ્યા માર્ગે આગળ વધવાનો દિશાનિર્દેશ કોણ આપે? આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે ક્યારે ચાલશે? ગાંધી ચિંધ્યા માર્ગે 63 વર્ષ ચાલ્યા, જો આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે માત્ર ત્રણ વર્ષ ચાલે, તો દુનિયાને પોતાની શક્તિથી નમાવવાની હેસિયત રાખે છે.

રાષ્ટ્રીય સંકટ: દેશની રાજનીતિમાં વિચારશૂન્યતાની સમસ્યા

ભારતીય રાજનીતિમાંથી વિચાર ખોવાય ગયા છે. હવે રાજકારણમાં વિચારધારાની લડાઈઓ જોવા મળી રહી નથી. દરેક પક્ષોમાં વત્તા-ઓછાં પ્રમાણમાં વ્યક્તિવાદી અને/અથવા પરિવારવાદી રાજકારણે પકડ જમાવી દીધી છે. 80ના દાયકાની રાજનીતિમાં સેક્યુલારિઝમ, કમ્યુનિઝમ કે હિંદુત્વની રાજનીતિક વિચારધારા માટે વિચારથી કામ કરનારા રાજનીતિજ્ઞો જોવા મળતાં હતા. અત્યારના રાજકારણીઓમાં વિચાર નથી અને તેને કારણે વિચારધારાની સમજનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

જાણીતાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ ભારતીય રાજનીતિમાં એક સંકટની તરફ સૌનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું છે કે દેશમાં ચિંતનશીલ રાજનેતાની અછત ઉભી થઈ રહી છે. વળી તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે આજના નેતા જેમના અનુયાયી હોવાનો દાવો કરે છે, તેમના સંદર્ભે તેઓ કંઈ જ જાણતાં નથી. ગુહાનું માનવું છે કે આઝાદીની આંદોલન દરમિયાન આવા ઘણાં રાજનેતાઓ સામે આવ્યા હતા. તેમની પાસે આધુનિક સમાજીક-રાજનીતિક વ્યવસ્થા માટે નિશ્ચિત પરિકલ્પના હતી. તેમની આંખોમાં દેશ માટે આગવું સપનું તરતું હતું. તેઓ વિચારસંપન્ન લોકો હતા. તેમની પાસે લોકતંત્ર, રાષ્ટ્રવાદ, આર્થિક નીતિ, ધર્મ, લિંગભેદ, જાતિ, પર્યાવરણ અને વિશ્વ સાથે ભારતના સંબંધો સંદર્ભે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય હતો. તેઓ પોતાના વિચાર પર દ્રઢ રહેતા હતા. તેના માટે તેઓ સંઘર્ષશીલ રહેતા હતા.

આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, વિનાયક દામોદર સાવરકર, જયપ્રકાશ નારાયણ, એમ.એસ.ગોલવલકર, રામમનોહર લોહિયા, દીનદયાળ ઉપાધ્યાય વગેરે નેતાઓને સામેલ કરી શકાય છે. જો કે આજના ભારતીય રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નજર માંડવામાં આવે, તો હાલના નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે વામણાં લાગે છે. હાલના નેતાઓમાં દેશને આગળ લઈ જવાના વિઝનની કમી હોવાનું સ્પષ્ટ વર્તાય આવે છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાંક સમયથી ભારત રાષ્ટ્રીય રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આતંકવાદ, નક્સલવલાદ, કાશ્મીર, પાકિસ્તાન, કોમવાદ સામે પછડાત ખાતું આવ્યું છે, તે રાજકારણીઓના વામણાંપણાંની સાબિતી છે.

જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વૈચારીકતાની જમીન પર ઉભરનારું અંતિમ રાજકીય અભિયાન સાબિત થયું છે, જેના પોતાના કેટલાંક મૂલ્યો હતા. જેમા વ્યાપક જનભાગીદારી હતી અને જેની એક અખિલ ભારતીય દ્રષ્ટિપણ હતી. ખુદને જેપી આંદોલનની પેદાશ ગણાવનારા નેતાઓ શું કરી રહ્યાં છે, તેને પૂરો દેશ જોઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ગાંધી અને નહેરુના આદર્શો સાથે હવે શું સંબંધ ધરાવે છે, તે કોઈથી છુપું રહ્યું નથી. ત્યારે ભાજપ પણ હિંદુત્વની પોતાની વિચારધારા અને તેના ચિંતનમાં અસમંજસમાં પડેલું લાગે છે.

હકીકતમાં 80ના દશકથી ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. આ રાષ્ટ્રીય વિચારના ખંડિત થવાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પ્રાદેશિકતા પ્રભાવી બની હતી. પંજાબ, આસામ અને કાશ્મીર સમસ્યાના અખિલ ભારતીય દ્રષ્ટિકોણને ઘેરો ધક્કો લાગ્યો હતો. જો કે હિંદુત્વવાદી શક્તિઓએ પોતાની રીતે અખિલ ભારતીયતાને શોધવા અને રાષ્ટ્રીય સ્તરે ધ્રુવીકરણની કોશિશ કરી હતી.

જો કે કોંગ્રેસે ઉદારીકરણ દ્વારા હિંદુવાદી રાજનીતિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ દશકોમાં રાજનીતિના સ્વરૂપમાં આસમાન જમીનનું ભારે અંતર અને પરિવર્તન સર્જાયું છે. હવે વિચારની જગ્યાએ રણનીતિ અને રાજનેતાઓની જગ્યા પોલિટિકલ મેનેજરોએ લઈ લીધી છે. રાજનેતા અને જનતાના સંવાદો લગભગ સમાપ્ત થઈ ગયા છે.

જનસમાન્યથી વધતાં અંતરે જ સામાજીક-આર્થિક સમસ્યાઓ પર તેમની પકડને ઢીલી કરી દીધી છે. રાજકારણીઓ સૂત્રો અને પ્રતિકોની ઘોર વ્યક્તિવાદી અને પરિવારવાદી રાજનીતિમાં ફસાય ગયા છે. વિચારધારાના સંકટના કારણે જ પ્રચારમાં પ્રજા સાથે વાતનું સ્તર ઘણું નીચે ઉતરી ગયેલું લાગે છે. ઉમર અને રાહુલને આઈપોડ બેબી કહેવામાં આવે છે. તો શરદ યાદવ રાહુલ ગાંધીને ગંગામાં ફેંકવાની વાત કરે છે. સામે પક્ષે પણ આવા જ નિવેદનો અને વાતો કરવામાં કોઈ છોછ અનુભાતો નથી. નેતાઓનું છીછરાપણું તેમની પ્રજા સાથેની વાતમાં ઉડીને આંખે વળગે છે.

ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ ઘણું મોટું નુકસાન સર્જી રહ્યું છે. તેના કારણે આજે કાશ્મીર મુદ્દે જે થઈ રહ્યું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. વૈચારીક અસ્પષ્ટતાઓ રાષ્ટ્રીય હિતો માટે નુકસાન દેહ સાબિત થઈ રહી છે. ભીડ ભેગી કરવી લોકોને પીટ ક્લાસ વાતો કરીને મતો મળેવવા અને ચૂંટણી જીતની સત્તાસુખ ભોગવવું જ આજના રાજનેતાઓના લક્ષ્ય બની ગયા છે. ત્યારે ખરેખર દેશહિતચિંતક રાજનેતાની ભારતને તાતી જરૂર છે. આ દેશહિતચિંતક નેતા જ ભારતને તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓમાંથી બહાર કાઢી શકશે.

કારણ ભૂખ જેટલી મોટી સમસ્યા છે, આતંકવાદ પણ એટલી જ મોટી સમસ્યા છે. ગરીબી જેટલી મોટી સમસ્યા છે, કાશ્મીર પણ એટલી જ મહત્વની સમસ્યા છે. કોમવાદ જેટલો મોટો મુદ્દો છે, રામજન્મભૂમિ વિવાદ પણ એટલો જ મોટો મુદ્દો છે. બેકારી જેટલો મોટો મુદ્દો છે, આંતકવાદ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. સડતું અનાજ જેટલી મોટી સમસ્યા છે, તેટલું જ પાકિસ્તાન અને ચીન તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. રાષ્ટ્રીય હિતો માટે ભ્રષ્ટાચાર સહીતનો કોઈ મુદ્દો નાનો કે મોટો હોતો નથી. દરેક મુદ્દા અને સમસ્યા તથા યોજનાઓ સાથે રાષ્ટ્રીય હિતો જોડાયેલા હોય છે. ત્યારે રાષ્ટ્રહિતચિંતક બનીને દેશના નેતાઓએ કામ કરવું જોઈએ. દેશની રાજનીતિમાં આવેલા વૈચારીક સંકટને દૂર કરીને દેશને, દેશના લોકને નવી દિશા આપવી જોઈએ.

વાચક મિત્રો આ સંદર્ભે આપ શું વિચારો છો? આપના વિચારો અને મંતવ્યો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી શકો છો.

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી

દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.